હાય રે ! મોંઘવારી પર નિબંધ Inflation Essay in Gujarati

હાય રે ! મોંઘવારી પર નિબંધ Inflation Essay in Gujarati: માનવીની મૂળભૂત ત્રણ જરૂરિયાતો છે – રોટી, કપડાં અને મકાન. દરેક માનવીની આ જરૂરિયાતો સંતોષાવી જ જોઈએ, પરંતુ આજે સામાન્ય માણસ કાળી મજૂરી કરે તો પણ પોતાના કુટુંબનું ભરણપોષણ સહેલાઈથી કરી શકતો નથી. દેશના કરોડો લોકો કૂદકે ને ભૂસકે વધી રહેલી મોંઘવારીથી પરેશાન છે. એવી દલીલ થાય છે કે જંગત આખામાં મોંધવારી વધી રહી છે, જેની અસર આપણા દેશમાં પણ થાય છે, પરંતુ આ દલીલમાં થોડુંક જ સત્ય છે.

હાય રે ! મોંઘવારી પર નિબંધ Inflation Essay in Gujarati

વૈભવશાળી ભારતનો ભવ્ય ભૂતકાળ આજે કલ્પનાની વાત જ બની ગયો છે. એવું કહેવાય છે કે આપણા દેશમાં ઘીદૂધની નદીઓ વહેતી હતી. સામાન્ય આવકમાં પણ મોટા ભાગના લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો સહેલાઈથી મેળવી શકતા હતા. રૂપિયાને ગાડાના પૈડા જેવડો મોટો ગણવામાં આવતો હતો. એક રૂપિયામાં જીવનજરૂરિયાતની મબલક ચીજવસ્તુઓ ખરીદી શકાતી હતી. લોકોનું જીવન સંતોષી અને સુખી હતું.

સોંઘવારીની એ પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે. પહેલાં સામાન્ય નોકરી કરનારા વ્યક્તિને એક માસનો જે પગાર મળતો હતો એટલી જ રકમ આજે એક દિવસના પગાર પેટે મળે છે, છતાં તેને મળતી સુખશાંતિ આજે અદૃશ્ય થઈ ગયાં છે. આજે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવો કૂદકે ને ભૂસકે વધતા જાય છે. ચા, ખાંડ, દૂધ, તેલ, કેરોસીન, મીઠું, અનાજ, સાબુ જેવી વસ્તુઓ મેળવવામાં જ મોટા ભાગની આવક વપરાઈ જાય છે. સામાન્ય માણસ અન્ય વસ્તુઓનો તો વિચાર જ કરી શકતો નથી. તેમાં પણ કમાનાર એક અને ખાનાર ઘણા હોય એવા કુટુંબની મુશ્કેલીઓનો પાર નથી હોતો. હંમેશાં સાત સાંધો ને તેર તૂટે તેવી સ્થિતિ હોય છે. મોંઘવારીની સૌથી માઠી અસર મધ્યમ વર્ગ પર પડી રહી છે. તેને ઘર ચલાવવા ઉપરાંત કૌટુંબિક અને સામાજિક પ્રસંગો પણ ઉકેલવાના હોય છે. તે માટે તેણે દેવું કરવું પડે છે.

મોંઘવારી વધવાનાં અનેક કારણો છે. તેમાં સંગ્રહખોરી, નફાખોરી, કૃત્રિમ અછત, કાળાંબજાર વગેરે મુખ્ય છે. સરકારે સંગ્રહખોરી, નફાખોરી અને કાળાંબજાર જેવા અપરાધો આચરનારાઓ સામે કડક હાથે કામ લેવું જોઈએ.

સરકાર અને ખાનગી પેઢીઓના માલિકો પોતપોતાના કર્મચારીઓને પગારવધારા આપે છે, પરંતુ પગારવધારાના પ્રમાણમાં મોંઘવારી અનેકગણી વધી જાય છે.

મોંઘવારીમાં થતા વધારા માટે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને પણ થોડેઘણે અંશે જવાબદાર ગણવામાં આવે છે. દા. ત., આરબો પેટ્રોલિયમ પેદાશોની કિંમતોમાં વધારો કરે તો બીજી ચીજવસ્તુઓના ભાવ પર તેની અસર પડે છે. જેમ કે વાહનભાડામાં વધારો થાય છે. પરિણામે અનાજના અને શાકભાજીના ભાવો વધે છે. મોંઘવારી વધારા માટે કંઈક અંશે પ્રજા પણ જવાબદાર છે. કોઈ પણ વસ્તુની અછત થતાં જ શ્રીમંત લોકો મોં માગ્યા દામ આપીને વસ્તુઓ ખરીદી લેવા પડાપડી કરે છે.

મોંઘવારીને લીધે સામાન્ય માનવી સતત બે છેડા ભેગા કરવાની ચિંતામાં ડૂબેલો રહે છે. આપધાતના કેટલાક કિસ્સાઓના મૂળમાં આર્થિક ચિંતા પણ રહેલી હોય છે. મોંઘવારીમાં પીસાઈ રહેલો માણસ તહેવારો અને શુભ પ્રસંગો મુક્ત મને ઊજવી શકતો નથી. તે પોતાના જીવનનો પૂરેપૂરો આનંદ માણી શકતો નથી.

મોંઘવારી વધતી રહે છે. જે માણસ સસ્તો થઈ રહ્યો છે. કેટલાક લોકોને તેમના શ્રમનું પૂરેપૂરું વળતર અપાતું નથી. ગૃહઉદ્યોગો દ્વારા સામાન્ય માનવીને કમાણી થાય તેવું આયોજન પણ થવું જોઈએ. વેપારીઓએ પોતાની નૈતિક ફરજ સમજીને બેફામ ભાવવધારો અટકાવવો જોઈએ. મોંઘવારીને કાબૂમાં રાખવા સરકારે પણ યોગ્ય ઉપાયો કરવા જોઈએ.

આપણા સૌના સહિયારા પ્રયાસોથી જ મોંઘવારીને અંકુશમાં લાવી શકાશે.