રક્તદાન મહાદાન પર નિબંધ Blood Donation Essay in Gujarati

રક્તદાન મહાદાન પર નિબંધ Blood Donation Essay in Gujarati OR Raktadan Mahadan Gujarati Nibandh: આપણા દેશમાં અકસ્માતોથી સૌથી વધુ જાનહાનિ થાય છે. ત્રાસવાદ અને કુદરતી આફતો વડે થતી જાનહાનિ ત્યારપછીના ક્રમે આવે છે. આવી કોઈ પણ દુર્ઘટના બને ત્યારે રક્તની સૌથી વધુ જરૂર પડે છે.

રક્તદાન મહાદાન પર નિબંધ Blood Donation Essay in Gujarati

મોટી દુર્ઘટના સર્જાય ત્યારે બ્લડબેંકોમાં રક્ત ખૂટી પડે છે. આવા સમયે ચોક્કસ ગ્રુપના રક્ત માટે રેડિયો, ટીવી અને સોશિયલ મીડિયામાં જાહેર અપીલ કરવી પડે છે. બ્લડબેંન્કો કટોકટીમાં બોલાવી શકાય એવા રક્તદાતાઓની યાદી રાખે છે. આમ છતાં અમુક ગ્રુપના રક્તની કાયમ અછત રહે છે. અમુક બ્લડગ્રુપ ધરાવતી વ્યક્તિઓ એકલદોકલ જ હોય છે. આવી વ્યક્તિને રક્તની જરૂરિયાત ઊભી થાય, ત્યારે ભારે મુશ્કેલી સર્જાય છે.

દેશની વસ્તીના પ્રમાણમાં રક્તદાતાઓની સંખ્યા સાવ ઓછી છે. એટલે રક્તની આકસ્મિક ઊભી થતી માંગને પહોંચી વળવામાં તક્લીફ પડે છે. આપણા દેશમાં થેલેસેમિયાના દરદીઓનું પ્રમાણ ઘણું વધારે છે. જેમને સરેરાશ દર મહિને રક્ત ચડાવવું પડે છે. તેમને માટે બ્લડબૅન્કોએ રક્તનો જથ્થો અનામત રાખવો પડે છે. આથી બ્લડબૅન્કોને હંમેશાં રક્તની જરૂર પડે છે.

પચાસ વર્ષથી ઓછી ઉંમરની તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે. પણ એવી, વ્યક્તિઓમાંથી બહુ ઓછા લોકો રક્તદાન કરે છે. કેટલાક લોકો ક્યારેય રક્તદાન કરતા જ નથી અને કેટલાક લોકો પ્રસંગોપાત્ત જ રક્તદાન કરે છે.

આપણા દેશમાં દાન-પુણ્યનો ઘણો મહિમા છે. જરૂરિયાતમંદ લોકો માટે દાતાઓ છૂટે હાથે ધનદાન, વસ્ત્રદાન અને અન્નદાન કરે છે. આ દાનોની જેમ રક્તદાન પણ પુણ્યનું કામ છે. ઉપરાંત તે આપણી સામાજિક જવાબદારી પણ છે. આપણે આપેલા રક્તથી કોઈનું જીવન બચી શકે છે. તેથી જ રક્તદાન એ ખરેખર મહાદાન છે. સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રક્તદાન કરવું જોઈએ અને બીજાઓને પણ આવી પ્રેરણા આપવી જોઈએ.