એક સૌંદર્ય ધામ મુલાકાતે પર નિબંધ Visit to Beautiful Place Essay in Gujarati

એક સૌંદર્ય ધામ મુલાકાતે પર નિબંધ Visit to Beautiful Place Essay in Gujarati:

“સોંદર્યો વેડફી દેતાં, ના ના સુંદરતા મળે;
સૌદર્ય પામતાં પહેલાં સુંદર બનવું પડે.”

– કલાપી

દરેક માનવી સોંદર્યપ્રેમી હોય છે. ઉપાસંધ્યાના રંગો, બગીચામાં ખીલેલાં પુષ્પો, ચોમાસામાં હરિયાળા ઘાસથી મઢેલી ધરતી, ખેતરોમાં લહેરાતો લીલોછમ મોલ, પૂનમની રઢિયાળી રાત, બાળકનું મધુર સ્મિત વગેરેનું દર્શન માનવીના તનમનને પ્રફુલ્લિત કરી મૂકે છે. કોઈક સૌંદર્યધામની મુલાકાત પણ આવી જ આનંદદાયક બની રહે છે.

એક સૌંદર્ય ધામ મુલાકાતે પર નિબંધ Visit to Beautiful Place Essay in Gujarati

અમે કેટલાક વિદ્યાર્થીઓ દિવાળીની રજાઓમાં જૂનાગઢના પ્રવાસે ગયા હતા. ત્યાં અમે નરસિહ મહેતાનો ચોરો, દામોદર કુંડ, ઉપરકોટ, રાણકદેવીનો મહેલ, અશોકનો શિલાલેખ વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી. આ સ્થળોમાં અમને જૂનાગઢનો ભવ્ય ભૂતકાળનાં દર્શન થયાં. અમારા આ પ્રવાસનો મુખ્ય હેતુ ગિરનાર પર્વતનું આરોહણ કરવાનો હતો. રાત્રે અમે એક ધર્મશાળામાં રોકાણ કર્યું. અહીં રહેવાજમવાની વ્યવસ્થા ઘણી સારી હતી. બીજે દિવસે સવારે અમે ગિરનાર ચડવાનું નક્કી કર્યું હતું. ગિરનાર ચડવા માટે હું ખરેખર થનગની રહ્યો હતો. સવારે ચાર વાગ્યે અમે ઊઠી. ગયાં અને પ્રાતઃક્રિયા પતાવીને આશરે પાંચ વાગ્યે ગિરનાર પર ચડવાનું શરૂ કર્યું.

રાત્રિનો અંધકાર હજુ દૂર થયો નહોતો. વીજદીવાના પ્રકાશને સથવારે અમે પગથિયાં ચડતા હતા. પવન ખૂબ ઠંડો હતો. અમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓએ ટેકો લેવા માટે લાકડીઓ સાથે લીધી હતી. વાતાવરણ ખુશનુમા હતું. અમે લગભગ બસો જેટલાં પગથિયાં ચડ્યા ત્યારે વાતાવરણ ઠંડું હોવા છતાંય અમને પરસેવો થવા લાગ્યો. ભળભાંખરું થયું. ધીમેધીમે સૂર્યોદય થયો. આકાશમાં રેલાઈ રહેલા ઉષાના રંગોને લીધે અદ્ભુત સૌંદર્ય પ્રસરવા લાગ્યું. આ સુંદર દશ્ય જોઈને અમે ધન્ય થયા. આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય અમારા તનમનને તાજગી આપતું હતું. નીચે દૂરદૂર વહેતી નદીઓ પાણીના લિસોટા જેવી લાગતી હતી. જૂનાગઢ શહેરનાં મકાનો ટપકાં જેવાં દેખાતાં હતાં. થોડી વાર પછી અમે જૈન દેરાસરના પ્રાંગણમાં આવી પહોંચ્યા. વિશાળ જગ્યામાં સફેદ આરસપહાણના પથ્થરો વડે દેરાસરની રચના કરવામાં આવી હતી. અહીં જૈન ધર્મના ચોવીસ તીર્થકરોની પ્રતિમાઓ મુકવામાં આવી છે. ભગવાન મહાવીરની પ્રતિમા અતિ ભવ્ય છે. દેરાસરનું ઝીણું નકશીકામ પણ જોવાલાયક છે. અર્શી પરમ શાંતિનો અનુભવ થાય છે. અમે થોડી વાર સુધી દેરાસરના પરિસરમાં બેસીને શાંતિનો અદ્ભુત અનુભવ કર્યો. અહીં અમને એવી નિરાંત લાગતી હતી કે આગળ જવાનું મન થતું ન હતું, પરંતુ અમારે નિયત સમયે પાછા ફરવાનું હતું. તેથી અમે ફરીથી ચડવાનું શરૂ કર્યું અને થોડી વારમાં અંબાજી માતાના મંદિરે આવી પહોંચ્યા. અંબાજીનાં દર્શન કરીને અમે દત્તાત્રેયનાં પગલાં પાસે આવ્યા. અહીં અમને જાણીતી કાવ્યપંક્તિ યાદ આવી :

“ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતો કરે.”

અહીં થોડી વાર સુધી રોકાઈને અમે આસપાસના પ્રાકૃતિક સૌંદર્યને મન ભરીને માણ્યું. અહીં અમે કેટલાક ફોટા પાડ્યા પછી અમે નીચે ઊતરવાનું શરૂ કર્યું. નીચે ઊતરતી વખતે અમારે સાચવી સાચવીને અમારા પગ મૂકવા પડતા હતા. છેક બપોરે અમે તળેટીમાં આવી પહોંચ્યા. ત્યાં બપોરનું ખાણું લીધા બાદ અમે જૂનાગઢથી વિદાય થયા.

આજે પણ ગિરનારનું પ્રાકૃતિક સૌંદર્ય અને તેના મથાળે આવેલા દેરાસરનું કલાસૌંદર્ય મને આમંત્રણ આપી બોલાવી રહ્યું હોય એવું લાગે છે. મારું મન ઘણીયે વાર ત્યાં જવા માટે થનગની ઊઠે છે.