અમાસની રાત પર નિબંધ New Moon Essay in Gujarati

અમાસની રાત પર નિબંધ New Moon Essay in Gujarati: પ્રકૃતિની વિવિધતા અપાર છે. એમાં નિશારાણી આપણા માટે સોનેરી શમણાંની ભેટ લઈને આવે છે. ઋતુએ ત્ર-તુએ રાત્રિનાં રૂપરંગ જુદાંજુદાં હોય છે. પૂર્ણ ચંદ્રથી મઢેલી પૂનમની રાતનાં ખૂબ ગુણગાન ગવાયાં છે. સામાન્ય રીતે આપણને પૂનમની રાત ખુબ ગમતી હોય છે. કવિઓ પૂનમની રાતનું વર્ણન કરતાં થાકતા નથી. તેમ છતાં, કુદરતે અમાસની રાત પણ સાથે બનાવી છે. કુદરતના રહસ્યને કોણ માપી શકે? બધી જ રાતો પૂનમની જ હોય તો એનું મૂલ્ય આટલું રહે ખરું? અમાસની અંધારી રાત છે તેથી જ પૂનમની અજવાળી રાતનું મહત્ત્વ છે. અમાસની અંધારી રાત પણ પ્રકૃતિની અદ્ભુત ભેટ છે.

અમાસની રાત પર નિબંધ New Moon Essay in Gujarati

અમાસની રાત પર નિબંધ New Moon Essay in Gujarati

અમાસની કાજળઘેરી રાતે આકાશમાં તારાઓની મહેફિલ જામે છે. તારામંડળો જુદાજુદા આકારો ધારણ કરીને અંધારી રાતે આકાશની શોભા વધારે છે. સ્થિર પ્રકાશ રેલાવતા ગ્રહોનું તેજ આંખોને ઠારે છે. કોઈ શ્યામ રંગની સ્ત્રીએ આભલાં મઢેલી સાડી પહેરી હોય એવી અંધારી રાત દીપી ઊઠે છે. અંધારી રાતે આકાશગંગા અને નિહારિકાનાં તેજ વધુ પ્રભાવશાળી લાગે છે. આકાશમાં ચંદ્રનું ક્યાંય નામનિશાન હોતું નથી. પૃથ્વી પર ચોમેર અંધકારનું સામ્રાજ્ય છવાઈ જાય છે. અંધકારનું આ દશ્ય કોઈને બિહામણું લાગે છે, તો કોઈને રમણીય લાગે છે. કવિ પ્રફ્લાદ પારેખે અંધારી રાતનો જુદી જ રીતે અનુભવ ર્યો છે :

“આજ અંધાર ખુશબોભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી.”

અંધારી રાતે તારલિયાના પ્રકાશમાં વનની વાટે પ્રવાસ કરતા વટેમાર્ગુઓને ભયમિશ્રિત રોમાંચનો અનુભવ થાય છે. તેથી જ કવિશ્રી મનસુખલાલ ઝવેરીએ ગાયું છે કે :

“મને ગમે અદ્ભુત અને અનન્ય આ,
અંધારી તોયે રજની અમાસની.”

અંધારી રાતે ખગોળશાસ્ત્રીઓ અને ગણિતશાસ્ત્રીઓ સૌરમંડળના તારાઓ, આકાશગંગા, નિહારિકાઓ વગેરેનું બારીકાઈથી નિરીક્ષણ કરી શકે છે અને કુદરતનાં રહસ્યોનો તાગ પામવા પ્રયત્ન કરે છે. આવાં નિરીક્ષણોથી વિજ્ઞાનજગત તથા માનવજાતને ઘણો લાભ થાય છે. આપણા જાણીતા નિબંધકાર, કાકા કાલેલકરને અંધારી રાતે ખગોળદર્શન કરવાનો શોખ હતો, એમણે કવિશ્રી ઉમાશંકર જોશીને પણ ખગોળદર્શન કરતાં શીખવ્યું હતું.

દીપાવલિનો લોકપ્રિય તહેવાર પણ અમાસની અંધારી રાતે જ ઊજવવામાં આવે છે. દિવાળી તો આપણા દેશનો સૌથી મોટો તહેવાર છે. અંધકારને દૂર કરનાર પ્રકાશનો તહેવાર છે. દિવાળીમાં ટમટમતા દીવડા અને આકાશમાં ટમટમતા તારલિયા આપણને એવો બોધ આપે છે કે આપણે ભલે સૂર્ય ન બની શકીએ પરંતુ માટીનું કોડિયું કે તારો બનીને કોઈના પથદર્શક જરૂર બની શકીએ.

અંધારી રાતનું એક ઉધાર પાસે પણ છે. ચોરી, લૂંટફાટ કે ખૂન જેવી અસામાજિક પ્રવૃત્તિઓ અંધકારના ઓથારમાં જ ફૂલેફાલે છે.

આમ, અંધારી રાત ક્યારેક ભયપ્રેરક પણ નીવડે છે; પણ હકીકતમાં તે ભવ્ય અને રોમાંચક હોય છે. તેના માટે અંધકારને માણી શકે તેવી દષ્ટિ જરૂરી છે.