જિંદગી એટલે ઝિંદાદિલી પર નિબંધ Jindagi atle Zindadili Essay in Gujarati

જિંદગી એટલે ઝિંદાદિલી પર નિબંધ Jindagi atle Zindadili Essay in Gujarati: ‘‘જીવન એક સંગ્રામ છે. જીવન એક યજ્ઞ છે. જીવન એક સાગર છે. જખમો વિના સંગ્રામ હોઈ શકે નહિ. જ્વાળા વિના યજ્ઞ હોઈ શકે નહિ. તોફાન વિના સાગર હોઈ શકે નહિ – આ બધાને હસતે મુખે આવકારનાર વ્યક્તિ જ જીવનનો સાચો અર્થ સમજી શકે છે.”

– મનું –

જિંદગી એટલે ઝિંદાદિલી પર નિબંધ Jindagi atle Zindadili Essay in Gujarati

જિંદગી એટલે ઝિંદાદિલી પર નિબંધ Jindagi atle Zindadili Essay in Gujarati

જિંદગી એટલે ઝિંદાદિલી અને ઝિંદાદિલી એટલે ખુમારીપૂર્વક જીવન જીવવાની કલા. ઝિંદાદિલી એટલે પ્રેમ, શૌર્ય, દયા, ક્ષમા, ઉદારતા, ત્યાગ, આત્મબલિદાન વગેરે ભાવનાઓથી ધબતું અને અનેક લોકોને માટે પ્રેરણાદાયક નીવડે એવું જીવન.

ઝિંદાદિલ મનુષ્ય વતન, માનવધર્મ કે પોતાની કોઈ ટેક ખાતર ફના થવામાં કદી પાછી પાની કરતો નથી. તે ઘેટાંની જેમ કાયરતાથી નહિ, પરંતુ સિંહની જેમ બહાદુરીપૂર્વક જીવવામાં માને છે. તેની નજર સામે વીરતાથી ઝઝૂમનારા રાણા પ્રતાપ અને ઝાંસીની રાણી, વિશ્વવિજેતા સિકંદર અને સમ્રાટ અશોક જેવાં ઉદાહરણો હોય છે.

સંતો અને મહંતોનાં જીવન પણ ઝિંદાદિલીનાં આદર્શ ઉદાહરણો છે. મીરાં, નરસિંહ, તુકારામ, જ્ઞાનેશ્વર, એકનાથ, કબીર, નાનક વગેરેએ લોકોમાં જ્ઞાન, ભક્તિ અને કર્મની ભાવના ફેલાવવાનું ઉત્તમ કાર્ય કર્યું છે. તેથી જ કવિ કલાપીએ નરસિંહ અને મીરાંની ઝિંદાદિલીને સલામ કરતાં લખ્યું છે કે, ‘હતાં નરસિંહ અને મીરાં, ખરાં ઇલ્મી ખરા શૂરાં’. દુ:ખમાંથી મુક્તિનો માર્ગ શોધવા રાજવૈભવનો ત્યાગ કરનાર બુદ્ધ, કઠોર તપશ્ચર્યા કરનાર મહાવીર, માનવધર્મ ખાતર ક્રૉસ પર ચડનાર ઈસુ, સત્યને ખાતર ઝેર પી જનારા રોકેટિસ, શત્રુને પણ ક્ષમા બનનારા ગાંધીજી , દેશસેવા ખાતર પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનારા જવાહરલાલ નહેરુ વગેરે ઝિંદાદિલીનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે.

ઝિંદાદિલ માનવી ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પ્રસન્ન રહે છે. તે હારે છે ત્યારે પણ જીતનારને અભિનંદન આપે છે. તે અગવડો ભોગવે છે પણ બીજાની સગવડો સાચવે છે. તે પોતે દુઃખ વેઠે છે પણ બીજાને સુખી કરે છે. તે કડવો ઘૂંટડો ગળી જાય છે પણ બીજાને તો તે અમૃતપાન જ કરાવે છે. તે સામી છાતીએ આકરા ઘા સહન કરી લે છે પણ પીઠ બતાવતો નથી. તે મરવાનું પસંદ કરે છે પણ સત્ય છોડતો નથી. તે કાંટાળા માર્ગે ચાલે છે પણ બીજાના માર્ગમાં તો ફૂલો જ પાથરે છે. આમ, તે બધી રીતે આદર્શ જીવન જીવે છે. સુખ દુઃખ, જયપરાજય, લાભહાનિ વગેરે કંકોમાં તે સમાન સ્થિતિમાં રહે છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ તે મગજની સમતુલા ગુમાવતો નથી.

સંકુચિત મનોવૃત્તિ ધરાવનારા લોકો જીવનનો સાચો મર્મ જાણતા નથી. તેઓ ફક્ત પોતાના માટે જ જીવે છે. તેઓને પોતાના સ્વાર્થ સિવાય બીજું કંઈ દેખાતું નથી. તેઓમાં ખુમારી, સત્યનિષ્ઠા અને માનવતા જેવા ગુણોનો સદંતર અભાવ હોય છે. આવી વ્યક્તિઓ મુદદિલીનાં ઉદાહરણો છે.

જિંદગીનો માપદંડ જુદો જ છે. એક કવિએ કહ્યું છે કે, ‘લાંબે ટૂંકે જિંદગી ના મપાય’. અથતિ, તમે કેટલાં વર્ષો જીવ્યા તે મહત્ત્વનું નથી, પરંતુ કેવું જીવન જીવ્યા તે મહત્ત્વનું છે. કલાપી, રાવજી પટેલ અને અંગ્રેજ કવિ કીટ્સની ઝિંદાદિલીને કારણે કલારસિકો આજે પણ તેમને અહોભાવથી યાદ કરે છે. જગદ્ગુરુ શંકરાચાર્ય અને સ્વામી વિવેકાનંદ નાની ઉંમરે અવસાન પામ્યા હતા પરંતુ દેશ અને વિદેશના લોકો આજે પણ તેમના જીવનમાંથી ઝિંદાદિલીની પ્રેરણા મેળવે છે.

ઝિંદાદિલીનો મર્મ કબીરના આ દોહામાં સરસ રીતે પ્રગટ થયો છે :

“जब तुम आए जग में, जग हँसे तुम रोए,
ऐसी करनी कर चलो, तुम हँसो जग रोए।”