જો મને લોટરી લાગે તો પર નિબંધ If I win a lottery Essay in Gujarati

જો મને લોટરી લાગે તો પર નિબંધ If I win a lottery Essay in Gujarati: મારા એક મિત્રના પિતાજી જ્યોતિષશાસ્ત્રના જાણકાર છે. ગયા અઠવાડિયે તેમણે મારી હસ્તરેખાઓ જોઈને મને કહ્યું હતું કે, “તને આ વર્ષે મોટો આર્થિક લાભ થવાનો છે.”

જો મને લોટરી લાગે તો પર નિબંધ If I win a lottery Essay in Gujarati

ગઈ કાલે હું મારા મિત્રો સાથે શહેરના એક જાણીતા થિયેટરમાં ફિલ્મ જોવા ગયો હતો. થિયેટરની બહાર એક જગ્યાએ લૉટરીની ટિકિટોનું વેચાણ થઈ રહ્યું હતું. મને લૉટરીની ટિકિટ ખરીદવાની લાલચ થઈ. મારા મિત્રના પિતાએ કરેલી ભવિષ્યવાણી મને યાદ આવી. આથી મેં દસ રૂપિયાની લૉટરીની ટિકિટ ખરીદી. તેનું પહેલું ઇનામ એક કરોડ રૂપિયા હતું. રૂપિયા દસના રોકાણ સામે એક કરોડ રૂપિયા !

લૉટરીની ટિકિટ ખરીદ્યા પછી મારું મન ચકડોળે ચડયું છે. મને ઊંડેઊંડે એવી આશા છે કે કદાચ પેલા જ્યોતિષીની ભવિષ્યવાણી સાચી પડશે. મેં અનાયાસે ખરીદેલી લૉટરીની ટિકિટનું પહેલું ઈનામ મને જ મળશે. મને એવું લાગે છે કે પહેલી જૂનના દિવસે મારા હાથમાં એક કરોડ રૂપિયા આવશે.

પૂરા એક કરોડ રૂપિયા . . . !

મને ચિંતા થાય છે કે એક કરોડ રૂપિયાનું ઇનામ લાગતાં જ ક્યાંક મારું હૃદય બેસી ન જાય. ધારો કે મારું હૃદય સલામત રહે તોપણ એક કરોડ રૂપિયાનો વહીવટ કરવાની એક નવી ચિંતા મારા માટે ઊભી થશે. પૈસો બધી બુરાઈઓનું મૂળ છે. વગર મહેનતે મળેલો પૈસો આપણી બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે છે પરંતુ હું સજાગ રહેવાનો છું. પૈસાને હું પવિત્ર માનું છું. એટલે મને મળનારી બધી રકમ હું સન્માર્ગે જ વાપરીશ. એક કરોડ રૂપિયામાંથી આવકવેરો કપાયા બાદ મને જેટલી રકમ મળશે તેમાંથી અડધી રકમ હું મારા કુટુંબ માટે જુદી રાખીશ.

મારા પિતાજીએ અમારો ઉછેર કરવા પાછળ તેમનું સંપૂર્ણ જીવન ખરચી નાખ્યું છે. એમની મોટા ભાગની આવક અમારી જરૂરિયાતોને પૂરી કરવામાં જ ખરચાઈ જાય છે, આથી તે અમારા માટે ઘર બનાવી શક્યા નથી. હું એક સારું ઘર બનાવવાનું પિતાજીને કહીશ; ઘરની બહાર હું એક નાનો બગીચો બનાવડાવીશ, એ બગીચામાં લૉન, હંચકા, બાંકડા અને એક ચબૂતરો પણ બનાવીશ. અમુક રકમ હું બૅન્કમાં મૂકીશ. તેના વ્યાજમાંથી ભાઈબહેનનાં ભણતરનો ખર્ચ કાઢીશ. અમારા કુટુંબની સગવડ માટે હું એક મોટર ખરીદીશ. હું મારાં માતાપિતાને ચારેય ધામોની જાત્રી કરાવીશ.

લૉટરીના રૂપિયામાંથી હું મારા ગામના અને સમાજના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ કરીશ. હું મારા ગામમાં મારાં માતાપિતાના નામે એક ઇસ્પિતાલ બંધાવીશ. એમાં લોકોને ઓછા ખર્ચે સારી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરીશ. હું કેટલાક રૂપિયા બેન્કમાં વ્યાજે મૂકી દઈશ. તેના વ્યાજની રકમમાંથી હું હોશિયાર પણ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે આર્થિક મદદ કરીશ.

કેટલાકને મારી આવી કલ્પનાઓ ઉપર હસવું આવશે. પણ, દરેક માણસને વિચાર કરવાની સ્વતંત્રતા છે. લોકો જે વિચારવું હોય તે વિચારે. હું એની ચિંતા કરતો નથી. જોઈએ તો ખરા, પહેલી જૂનના દિવસે ખરેખર શું થાય છે ! કદાચ એવું પણ બને કે મારું એસ.એસ.સી.નું પરિણામ અને લૉટરીનું પરિણામ બંને એકસાથે મારા હાથમાં આવે ! કદાચ મારું સ્વપ્ન સાકાર ન પણ થાય. પણ તેથી શું ફેર પડવાનો છે? જે થવું હોય તે થાય.. મેં, ‘લાગે તો તીર, નહિ તો તુક્કો’ એમ ધારીને જ લૉટરીની ટિકિટ ખરીદી છે.

મને લૉટરી ન લાગે તોપણ હું નિરાશ થવાનો નથી. “આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ” એ કહેવત પ્રમાણે હું મારા બાહુબળ પર સંપૂર્ણ ભરોસો રાખું છું. મને લૉટરી લાગશે તો પૈસાનો ઉપયોગ કરીશ અને નહિ લાગે તો મનને મનાવી લઈશ.