મિત્રતા ની મીઠાશ અથવા મારો પ્રિય મિત્ર પર નિબંધ Friendship Essay in Gujarati

મિત્રતા ની મીઠાશ અથવા મારો પ્રિય મિત્ર પર નિબંધ Friendship Essay in Gujarati OR Mitrta Ni Mithas Athava Maro Priya Mitra Gujarati Nibandh: “મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે”

મિત્રતા ની મીઠાશ અથવા મારો પ્રિય મિત્ર પર નિબંધ Friendship Essay in Gujarati

મિત્રતા ની મીઠાશ અથવા મારો પ્રિય મિત્ર પર નિબંધ Friendship Essay in Gujarati

અંગ્રેજીમાં એક કહેવત છે, Tell me who are his friends, And I will tell you, which type of man he is. અર્થાત્ તમે મને એ કહો કે તેના મિત્રો કોણ છે તો હું તમને એ જણાવીશ કે તે કેવી વ્યક્તિ છે ! એટલે કે કોઈ પણ વ્યક્તિના મિત્રોને આધારે તેના ગુણદોષોનું અનુમાન થઈ શકે છે. ગુજરાતીમાં પણ ‘સંગ તેવો રંગ’ અને ‘સોબત તેવી અસર’ જેવી કહેવતો જાણીતી છે.

જીવનમાં એકાદ સારો મિત્ર હોવો જરૂરી છે. આવો મિત્ર આપણા સુખ અને દુઃખમાં આપણી પડખે ઊભો રહે, આપણને સારી બાબતો શીખવી શકે, ક્યારેક માર્ગદર્શન, પ્રેરણા. અને પ્રોત્સાહન પણ આપી શકે. સારા મિત્રની સોબત આપણને સુખી, સમૃદ્ધ અને ઉત્તમ બનાવી શકે. જોકે સારો અને સર્જન મિત્ર શોધવાનું કામ સહેલું નથી. કારણ કે

“શેરી મિત્રો સો મળે, તાળી મિત્રો અનેક
જેમાં સુખદુઃખ વામીએ, તે લાખોમાં એક.”

એટલે કે શેરી મિત્રો અને તાળી મિત્રો તો ઘણા મળે છે, પણ આપણા સુખદુ:ખના સાથી બની શકે એવા મિત્ર તો લાખોમાં એક જ હોય છે. આમ છતાં આપણા સમાજમાં પ્રસંગોપાત્ત આદર્શ મૈત્રીનાં ઉદાહરણો જોવા મળે છે. કૃષ્ણ-સુદામા અને રામ-સુગ્રીવની મૈત્રી આજે પણ શ્રેષ્ઠ અને અજોડ મનાય છે. કૃષ્ણ અને સુદામા સાંદીપનિ ઋષિના આશ્રમમાં સાથે રહીને ભણ્યા હતા. કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા અને પૂજાપાઠનું કામ કરતા સુદામા ગરીબ રહી ગયા. સુદામાનાં પત્નીએ તેમને કૃષ્ણ પાસે મદદ માગવા માટે મોકલ્યા. સંકોચને કારણે સુદામાં શ્રીકૃષ્ણની પાસે કશું માગી શક્યા નહીં. પણ શ્રીકૃષ્ણ સુદામાને વણમાગ્યે અપાર સંપત્તિ અને સમૃદ્ધિ ભેટમાં આપી દીધી. એ પણ તેમને જણાવ્યા વિના તેમના ઘેર મોકલી આપી.

આ જ રીતે રામ અને સુગ્રીવે એકબીજાને મદદ કરી અને પોતાનો મિત્રધર્મ નિભાવ્યો હતો. રામે વાલિ જેવા અજેય યોદ્ધાને હણીને સુગ્રીવને તેના ત્રાસથી મુક્તિ અપાવી તો સુગ્રીવે રામને રાવણ સામેના યુદ્ધમાં તમામ મદદ કરી.

નાત-જાત-ધર્મ કે ભાષા જુદાં હોવા છતાં બે વ્યક્તિ મિત્રતાના સંબંધથી જોડાય છે. સ્વભાવ અલગ હોવા છતાં એકબીજાને અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. એકમેકની પસંદગીનો ખ્યાલ રાખે છે. એકબીજાના પ્રત્યે નિસ્વાર્થ સ્નેહની ભાવના રાખે છે. મિત્રતા એ કોઈ પણ સગાઈ વિનાનો, અપેક્ષા અને શરત વિનાનો અદ્ભુત સંબંધ છે. મિત્રતા, એ મનુષ્યને માગ્યા વગર ઈશ્વરે આપેલું વરદાન છે.

જૈને એક પણ સાચો મિત્ર હોય, તે કદી એકલો પડતો નથી. સુખ અને દુઃખ બંને સ્થિતિઓમાં સાચો મિત્ર સાથ નિભાવે છે. પરિવારનાં સભ્યો આપણને ક્યારેક સાથ ન પણ આપે, પણ મિત્ર આજીવન આપણો સાથે નિભાવે છે. ખરેખર મિત્રતાની મીઠાશ અનોખી છે.