શિક્ષણમાં ભ્રષ્ટાચાર પર નિબંધ Corruption in Education Essay in Gujarati

શિક્ષણમાં ભ્રષ્ટાચાર પર નિબંધ Corruption in Education Essay in Gujarati OR Sikshanma Bhrashtachar Guajrati Nibandh: અન્નદાન, રક્તદાન અને નેત્રદાનની જેમ વિદ્યાદાન પણ એક શ્રેષ્ઠ દાન છે. પ્રાચીન કાળથી આપણા દેશમાં વિદ્યાદાનનું ખૂબ મહત્ત્વ રહ્યું છે. એ જમાનામાં વિદ્યાર્થીઓ ભણવા માટે ગુરુના આશ્રમમાં રહેતા. ગુરુની સેવા કરી તેમની પાસેથી વિદ્યા મેળવતા અને આશ્રમની બધી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેતા. આથી શિષ્યોને વિદ્યાની સાથેસાથે જીવનલક્ષી કેળવણી પણ મળી રહેતી. ગુરુ નિઃસ્વાર્થ ભાવે તેમના શિષ્યોને વિદ્યા આપતા. શિષ્યોની સાથે તેઓ ખૂબ પ્રેમભર્યો વ્યવહાર કરતા. અભ્યાસ પૂરો કર્યા બાદ શિષ્યો ગુરુને પોતાની શક્તિ પ્રમાણે દક્ષિણા આપીને પોતાના ઘેર જતા. આશ્રમોની આ પરંપરાનો અંત આવ્યા પછી વિદ્યાપીઠોનો યુગ શરૂ થયો. એ યુગમાં નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠોનાં નામ જગપ્રસિદ્ધ હતાં.

શિક્ષણમાં ભ્રષ્ટાચાર પર નિબંધ Corruption in Education Essay in Gujarati

શિક્ષણમાં ભ્રષ્ટાચાર પર નિબંધ Corruption in Education Essay in Gujarati

સમયનાં વહેણ બદલાતાં શાળાઓ શરૂ થઈ. એક સમયે સમાજસેવાના ઉમદા હેતુથી ઠેકઠેકાણે શાળાઓ શરૂ કરવામાં આવતી હતી. આજે આ હેતુ બદલાઈ ગયો છે. આજે શિક્ષણ-સંસ્થાઓ ચલાવવી એ ધંધો થઈ ગયો છે. તેમાં મોટે ભાગે શિક્ષણને બદલે નફાને પ્રાધાન્ય આપવામાં આવે છે. શિક્ષણના સમગ્ર તંત્રમાં જે કેન્દ્રમાં હોય તે વિદ્યાર્થી જ કેન્દ્ર બહાર છે. વિદ્યાર્થી માત્ર પૈસા કમાવાનું સાધન છે. શિક્ષણ આપવાના શુદ્ધ હેતુથી ચલાવવામાં આવતી હોય એવી શાળાઓ આજે તો આંગળીને વેઢે ગણી શકાય એટલી જ રહી છે.

બાલમંદિરમાં પ્રવેશ માટે આજકાલ ‘ડોનેશન” લેવામાં આવે છે. સંસ્થાના દરજ્જો મુજબ આ ડોનેશનની રકમ નિયત થયેલી હોય છે. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં તો વાલીઓ પાસેથી પચીસપચાસ હજાર રૂપિયા સુધીનું ડોનેશન સહેજમાં પડાવી લેવામાં આવે છે ! આ ઉપરાંત, શાળામાં પ્રવેશ મેળવવા માટે કોઈ વગદાર વ્યક્તિની ઓળખાણ પણ હોવી જ જોઈએ ! શિક્ષણનું ક્ષેત્ર એટલે જાણે દલા તરવાડીની વાડી. તેમાં પ્રવેશનાર વ્યક્તિ ડગલે ને પગલે લૂંટાતો જ રહે છે. શાળાના સંચાલકો ઊંચી ફી લેવા ઉપરાંત ગણવેશ, સ્ટેશનરી, નાસ્તો વગેરે શાળાના સ્ટોરમાંથી જ ખરીદવાની ફરજ પાડે છે અને તેના વેપારમાંથી ધૂમ નફો મેળવે છે. શિક્ષકોની નિમણૂકમાં પણ બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે. જે ઉમેદવારે દોઢ બે લાખ રૂપિયાની લાંચ આપી શકે છે તેને જ શિક્ષકની નોકરી મળે છે. લાયક હોવા છતાં નાણાં ન આપી શકનાર ઉમેદવારને નોકરી મળતી નથી. ઘણી શાળાઓમાં શિક્ષકો પાસે પગારના રજિસ્ટરમાં પૂરતો પગાર આપ્યાની સહી કરાવી લઈને એમને પૂરતો પગાર પણ ચૂકવાતો નથી..

મોટા ભાગની શાળાઓમાં શિક્ષકો મન દઈને શિક્ષણકાર્ય કરતા નથી. પોતાનું ટટ્યૂશન રાખવા માટે તેઓ વિદ્યાર્થીઓને દબાણ કરે છે. ટ્યૂશન ન રાખનાર વિદ્યાર્થીને શિક્ષકો ક્યારે ક પરેશાન પણ કરે છે, વળી પેપરો ફોડવાં, વિદ્યાર્થીઓને પેપરો અગાઉથી લખાવી દેવાં, બનાવટી માર્કશીટ કે પ્રમાણપત્રો બનાવી આપવાં વગેરે પ્રવૃત્તિઓ પણ શિક્ષણક્ષેત્રમાં ફૂલીફાલી રહી છે.

આજકાલ વિદ્યાર્થીઓ પણ પરિશ્રમ કરવાને બદલે પાસ થવાના ટૂંકા માર્ગો અપનાવે છે. તે પરીક્ષામાં નકલ કરે છે. નિરીક્ષક તેમને ન કલ ન કરવા દે તો એ દાદાગીરી કરે છે. તેઓ પેપર ફોડાવે છે અને અમુક પરીક્ષ કોને પૈસા આપીને મન ફાવે તેટલા ગુણ ઉમેરાવી દે છે. આવાં તત્ત્વો પૈસા ખર્ચીને કોઈ પણ ડિગ્રીનું પ્રમાણપત્ર સુદ્ધાં મેળવી લે છે.

શિક્ષણના ક્ષેત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર માટે વાલીઓ પણ જવાબદાર છે. તેઓ અમુક ખાસ શાળાઓમાં બાળકોના પ્રવેશ માટે મોંમાગ્યું ડોનેશન આપે છે. પેપરો ફોડાવવા માટે, વધુ ગુણ મુકાવવા માટે તેમજ ખોટાં પ્રમાણપત્રો મેળવવા માટે વાલીઓ છુટથી નાણાં ખર્ચે છે.

શાળાઓ વિશેની પવિત્ર લાગણી વ્યક્ત કરતું એક સૂત્ર છે : ‘શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાનગંગા જ્યાં વહે.’ પણ આજે આ જ્ઞાનગંગા શુદ્ધ રહી નથી. શિક્ષણના મૂળમાં ભ્રષ્ટાચારનો સડો પેસી ગયો છે અને તેનો ક્યાંય અંત દેખાતો નથી. જ્ઞાનગંગાને શુદ્ધ કરવા માટે આજે આકરાં પગલાં ભરવાની તાતી જરૂર છે. શિક્ષણના પાયામાંથી જ ભ્રષ્ટાચાર દૂર કરવામાં નહિ આવે તો ક્યારેક એમાંથી વખત જતાં એક વિશાળ ભ્રષ્ટ સમાજનું નિર્માણ થશે. આવો ભ્રષ્ટ સમાજ પોતે તો ડૂબશે અને દેશને તથા સમાજને પણ ડુબાડશે.