એક સુશિક્ષિત બેકારની આપવીતી પર નિબંધ Autobiography of an Unemployed Person Essay in Gujarati

એક સુશિક્ષિત બેકારની આપવીતી પર નિબંધ Autobiography of an Unemployed Person Essay in Gujarati: બેકારી એ અભિશાપ છે પણ સુશિક્ષિત હોવા છતાં બેકાર હોવું એ તો એથીય મોટો અભિશાપ છે. પોતાના પરંપરાગત વ્યવસાયને ઠુકરાવવાથી અને ‘વાઇટ કૉલર જોબ’ની અપેક્ષા રાખવાથી આધુનિક યુવકોની કેવી દુર્દશા થઈ શકે છે, તેનું હું પોતે જીવતું-જાગતું ઉદાહરણ છે. તમે મારી આટલી વાત પરથી મને ઓળખી લીધો હશે, છતાં હું તમને મારો પરિચય આપી દઉં. હું એક શિક્ષિત બેકાર છું.

એક સુશિક્ષિત બેકારની આપવીતી પર નિબંધ Autobiography of an Unemployed Person Essay in Gujarati

એક સુશિક્ષિત બેકારની આપવીતી પર નિબંધ Autobiography of an Unemployed Person Essay in Gujarati

મધ્યમ વર્ગના એક કુટુંબમાં મારો જન્મ થયો હતો. મારા પિતાજી સુથારીકામ કરતા હતા. પાંચ વર્ષની ઉંમરે મને નિશાળે ભણવા મૂક્યો હતો. હું ભણવામાં હોશિયાર નીવડ્યો. તેથી મારા પિતાજીની આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં તે મારા ભણતરનો ખર્ચ વેઠતા રહ્યા. તેમને એવી આશા હતી કે હું ભણીગણીને ક્યારેક સારા પગારવાળી નોકરી કરતો થઈ જઈશ. મેં તેમની ઇચ્છા મુજબ એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષાઓ સારા ગુણ સાથે પાસ કરી. પછી પિતાજીએ મને શહેરની કૉલેજમાં ભણવા મોકલ્યો. ત્યાં ખંતથી ભણીને મેં બી.કૉમ.ની પરીક્ષા સારા ગુણ મેળવીને પાસ કરી. ગામમાં હતો ત્યારે મેં સુથારીકામ સારી રીતે શીખી લીધું હતું, પરંતુ હવે તો હું ભણીગણીને ‘સાહેબ’ બન્યો હતો !

મેં હોશેહોંશે શૈક્ષણિક યોગ્યતા તો હાંસલ કરી લીધી પણ કેવળ આવી યોગ્યતાથી આજકાલ નોકરી મળતી નથી. હું છેલ્લાં બે વર્ષથી નોકરી મેળવવા માટે ફાંફાં મારી રહ્યો છું. છાપામાં આવતી જાહેરાતો હું નિયમિત વાંચું છું. મારા લાયક જાહેરાત વાંચીને હું અરજી પણ કરું છું. મારી અરજીના જવાબમાં મને ઘણી વાર રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે. પરંતુ મને નિરાશા જ મળે છે. એનું મુખ્ય કારણ એ છે કે મારી પાસે કોઈ લાગવગ નથી. નોકરી મેળવવા હું ઘેઢ-બે લાખ રૂપિયાનું ડોનેશન આપી શકું તેમ નથી. આથી મારા કરતાં ઓછી ગુણવત્તા ધરાવતા ઉમેદવારોની પસંદગી થઈ જાય. છે પણ મારી પસંદગી થતી નથી ! તેને આપ જે કહેવું હોય તે કહી શકો : મારા કર્મની કઠણાઈ અથવા અન્યાય.

મને તો આ સ્થિતિમાં મારો જ વાંક દેખાય છે. મારા પિતાજી પાસેથી હું સુથારીકામ તો શીખ્યો હતો. તો પછી વધારે ભણ્યો જ શા માટે ? જોકે ભણતર જીવનમાં કામ લાગે છે, એ ખરું. જીવન ચલાવવા માટે બાપદાદાનો વ્યવસાય પણ એટલો જ મહત્ત્વનો છે. સુથારીકામ ન કરાય એવી મારી ગેરસમજ માટે હવે મને અફસોસ થઈ રહ્યો છે. મારા જેટલો અભ્યાસ ન કરનારા મોરા ઘણા મિત્રો તેમના બાપદાદાના ધંધામાં સારી રીતે ગોઠવાઈ ગયા છે. સાત ચોપડી ભણેલો ચંદુ, એસ.એસ.સી.માં નાપાસ થયેલો રમેશ, નિશાળમાંથી કાયમ ઘેર ભાગી જનારો તોફાની કિશોર, છેલ્લી પાટલીએ બેસીને કાયમ ઊંધ્યા કરનારો મહેશ વગેરે મારા બધા મિત્રો એમના બાપદાદાના ધંધામાં લાગી ગયા છે. જ્યારે મારી સ્થિતિ ધોબીના કૂતરા જેવી થઈ ગઈ છે ! હું ભણેલો હોવાથી મારા બાપદાદાના સુથારીકામમાં જોડાઈ શક્યો નહિ અને મને સારી નોકરી પણ મળી શકી નહિ પણ હવે મેં નક્કી કરી લીધું છે કે હું પણ મારા બાપદાદાના ધંધામાં જોડાઈને પ્રગતિ કરીશ. મારું ભણતર આ કામમાંય ખપ લાગશે.

આજે મારી ઉંમર 25 વર્ષની થઈ ગઈ છે. મારાં મા-બાપે આ વર્ષે મારાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે.

મારા પિતાજી પણ 55 વર્ષના થયા છે. એમણે એમની આખી જિંદગી મજૂરી કરવામાં ગાળી નાખી છે. એમણે કરેલા શ્રમની અસર તેમના શરીર પર જણાવા લાગી છે. સુથારીકામ શરૂ કરીને હું મારાં માતાપિતાને મદદરૂપ થઈશ. આજની હતાશાની પળોમાંથી હું જરૂર બહાર આવીશ .

આમ, મારા દુ:ખભર્યા દિવસોનો હવે જરૂર અંત આવશે અને મારી ઉજ્વળ વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત થશે.