મારો યાદગાર પ્રવાસ પર નિબંધ My Memorable Trip Essay in Gujarati

મારો યાદગાર પ્રવાસ પર નિબંધ My Memorable Trip Essay in Gujarati:

“ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી…”

– ઉમાશંકર જોશી

“પ્રવાસ એટલે અગવડો વેઠવા માટેની બાદશાહી સગવડ.”

– કાકા કાલેલકર

મારો યાદગાર પ્રવાસ પર નિબંધ My Memorable Trip Essay in Gujarati

મારો યાદગાર પ્રવાસ પર નિબંધ My Memorable Trip Essay in Gujarati

પગપાળા પ્રવાસનો આનંદ કંઈ ઑર હોય છે. હું અને મારા મિત્રો દર વર્ષે ત્રણચાર દિવસનો પગપાળા પ્રવાસ ખેડીએ છીએ.

ગયા વર્ષે દિવાળીની રજાઓમાં અમે કેટલાક મિત્રો સાથે મળીને ગિરનારની પરિક્રમા કરવા ગયા હતા. પચીસમી ઑક્ટોબરે રાત્રે અમદાવાદથી બસમાં બેસીને અમે વહેલી સવારે જૂનાગઢ પહોંચ્યા. ત્યાં એક ધર્મશાળામાં અમે મુકામ કર્યો. નાહીધોઈને અમે ગિરનારની પરિક્રમા કરવા નીકળી પડ્યા. અમે અમારી સાથે બે જોડ કપડાં, પ્યાલો, ટોર્ચ, નાની

શેતરંજી, ચોરસો વગેરે લીધાં હતાં. પરિક્રમાના માર્ગ પર વહેલી સવારથી જ પદયાત્રીઓનાં ટોળેટોળાં નજરે પડતાં હતાં. સૌપ્રથમ ભવનાથ મંદિરે દર્શન કર્યા પછી. પદયાત્રાની શરૂઆત એ કરતાં હતાં. અમે પણ એમની પાછળપાછળ ચાલવા લાગ્યા. આખા રસ્તે એટલી બધી ભીડ હતી કે બધાંને કીડીવેગે ચાલવું પડતું હતું. રસ્તામાં નાનાંનાનાં અનેક મંદિરો તથા દેરીઓ આવતાં હતાં. સૌ યાત્રાળુઓ ‘જય ગિરનારી’નો નાદ ગજવતા. ચાલતા હતા. સતત ત્રણ કલાક સુધી ચાલ્યા પછી અમે એક સ્થળે થોભ્યા. ત્યાં અમે ચાપાણી કર્યા. પછી થોડો આરામ કરીને અમે આગળ વધ્યા. સાંજ પડી, અમે એક ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યા. ત્યાં હજારો યાત્રાળુઓ વિશ્રામ કરી રહ્યા હતા. અમે પણ એક ખૂણો શેતરંજી બિછાવી. અમારે માથે આભનું છત્ર હતું અને નીચે ધરતીની પથારી. જિંદગીનો આ પણ એક અનેરો લહાવો હતો.

અમે એક પંક્તિ સતત વાગોળતા હતા :

“ડુંગરા ચઢવા સહેલ ના,
છતાં શિખરે ચઢી
પ્રકૃતિદેવીની લીલા જાળવી,
રમ્ય એ ઘડી,”

સવારે ચાર વાગ્યે અન્ય યાત્રાળુઓની જેમ અમે પણ જાગી ગયા. બ્રશ કરીને અમે આગળની યાત્રા શરૂ કરી. ગિરનાર પર્વતની ફરતે ડુંગરો આવેલા છે. ત્રણ દિવસમાં ત્રણ પર્વતોની યાત્રા કરવાનો ખાસ મહિમા છે. બપોરે એક સદાવ્રતમાં અમે ભોજન લીધું. અમને એટલી બધી ભૂખ લાગી હતી કે ધોમધખતા તડકામાં બેસીને પણ અમે ભરપેટ ખાધું. થોડી વાર આરામ કર્યા પછી પાછી અમારી યાત્રા શરૂ થઈ. સાંજે અમે હનુમાનજીના મંદિરે આવી પહોંચ્યા. મંદિરની પડખે જ એક ખેતર હતું. ત્યાં પાણીનો બોર હતો. બે દિવસ હાડમારી વેઠ્યા પછી અમને આવી ઉત્તમ સગવડ મળતાં અમે રાજીરાજી થઈ ગયા. અહીં હજારો યાત્રાળુઓ સાથે અમે પણ વાળુ કર્યું. રાતે ખુલ્લા મેદાનમાં સૂવાનો લહાવો પણ અમે લીધો.

વહેલી સવારે દૈનિક વિધિ તથા ચાનાસ્તા બાદ અમે પાછી પરિક્રમા શરૂ કરી. આજે ઠંડા પાણીથી સ્નાન કરવા મળ્યું હતું એટલે અમે ખૂબ તાજગી અનુભવી. બગદાણાવાળા બાપુના આશ્રમ તરફથી બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સેંકડો સ્વયંસેવકો પદયાત્રીઓને પ્રેમથી જમાડતા હતા. કાચા રસ્તા, ખાડાટેકરા, ગીચ ઝાડી અને ઠેરઠેર વહેતાં ઝરણાં વડે દુર્ગમ એવા અહીંના જંગલમાં હજારો યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવી તે ઘણું કપરું કામ હતું. સ્વયંસેવકો પદયાત્રાના માર્ગ પર ઊભા રહીને પદયાત્રીઓને પ્રેમથી બોલાવી બોલાવીને પ્રસાદ લેવાનો આગ્રહ કરતા હતા. ‘બાપા પ્રેમથી જમજો’ એવું કહી કહીને તેઓ સૌને ભાવપૂર્વક ભોજન પીરસતા હતા. ‘અન્નદાન એ શ્રેષ્ઠ વન છે’ એ વાત મને અહીં સમજાઈ. ભોજન કર્યા પછી અમે ધીરેધીરે આગળ વધ્યા.

સાંજે અમે જૂનાગઢ પાછા આવ્યા. બીજે દિવસે અમારી શાળા શરૂ થતી હોવાથી રાત્રે જ બસમાં બેસી વહેલી સવારે અમે અમદાવાદ આવી પહોંચ્યા. લોકોની ધામિ, ભાવના, નિઃસ્વાર્થ સેવાવૃત્તિ અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અમને પર્વતારોહણનો અનેરા અનુભવ થયો. આ ત્રણ દિવસ દરમિયાન અમે છાપું જોયું ન હતું, રેડિયો કે ટીવીના કાર્યક્રમો જોયા-સાંભળ્યા નહોતા છતાં અમને એની ખોટ જરીકે સાલી નહોતી. અમારો આ ગિરનાર પ્રવાસ અમને હંમેશા યાદ રહેશે.